જૂનાગઢ જિલ્લામાં 149 લોકો કોરોના સંક્રમિત

રિકવરી રેટ ઠંડીની જેમ વધતા 148 દર્દીઓ સ્વસ્થ બન્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાની બ્રેક વગરની ગાડી સડસડાટ આગળ ધપી રહી હોય આજે પણ 149 દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જો કે સમાપક્ષે આજે 148 દર્દીઓ સ્વસ્થ બનતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે જિલ્લામાં કુલ 149 લોકો કોરોના સંક્રમિત બન્યા છે જેમાં જૂનાગઢ શહેરમાં 66, જૂનાગઢ ગ્રામ્યમાં 3, કેશોદમાં 23, ભેસાણમાં 1, માળિયામાં 1, માણાવદરમાં 21, મેંદરડામાં 1, માંગરોળમાં 11, વંથલીમાં 7 અને વિસાવદરમાં 15 નવા કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર સિવાય મોટાભાગના તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ સિંગલ ડિઝીટમાં રહેતા હતા પરંતુ આજે કેશોદ, માણાવદર, માંગરોળ અને વિસાવદરમાં ડબલ આંકડામાં કોરોના દર્દીઓ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા આજે 47 ધનવંતરી રથ દ્વારા 4595 દર્દીઓને તપાસી સ્વાસ્થ્ય વર્ધક દવાઓ આપવામાં આવી હતી ઉપરાંત શહેર અને જિલ્લામાં મળી કુલ 2527 નાગરિકોને કોરોના વેકસીન આપવામાં આવી હતી.