માળીયા (હા.) નજીક કાર ચાલકે ડબલ સવાર બાઈકને ફંગોળ્યું

જૂનાગઢ : માળીયા (હા.) નજીક કાર ચાલકે ડબલ સવાર બાઈકને ઠોકરે ચડાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર હડફેટે બન્ને બાઈકસવારને ઇજા પહોંચી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી પ્રાપ્ત થતી આ બનાવની વિગતો મુજબ ફરિયાદી ગુલામહુસેન સીદીમીયા નકવી (ઉ.વ.૩૬ રહે.જશાપરા ગરબી ચોક બાજુમાં)એ આરોપી ફોર વ્હીલ એસક્રોસ નં. GJ-03-KH-7637 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ના રોજ સાડા ચારેક વાગ્યાના અરસામાં માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામે ફરીયાદી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપી ફોર વ્હીલ એસક્રોસ નં. GJ-03-KH-7637ના ચાલકે પોતાની હવાલી વાળી કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના બાઈક સાથે ઠોકર મારી ફરીયાદી તથા સાહેદને પછાડી દઇ ઇજાઓ કરી પોતાની કાર લઇ નાશી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.