જૂનાગઢમાં સ્પાઇડરમેન ને પણ ટૂંકો પાડતો યુવાન

ગિરનાર પર્વતની ભૈરવ ટૂંક ઉપર સડસડાટ પવન વેગે કોઈપણ સહારા વગર ચઢાણ કર્યું : વિડીયો વાયરલ

જૂનાગઢ : ગિરનાર આરોહણ અવરોહણમાં દર વર્ષે નવા – નવા વિક્રમો સર્જાતા રહે છે ત્યારે આજે જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ભૈરવ ટૂંક તરીકે ઓળખાતી ટોચ ઉપર એક યુવાન પવનવેગે સડસડાટ કોઈપણ સહારા વગર ચડતો હોય તેવો વિડીયો સ્પાઇડરમેન શીર્ષક હેઠળ વાયરલ થયો છે.

3500 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા ગિરનાર પર્વત ચઢવો ખુબ જ કઠિન છે. અહીં આવતા લોકો પર્વતના ધર્મસ્થાનો સુધી કલાકો ચાલે ત્યારે પહોંચી શકે છે.જો કે,ગિરનાર પર્વત ચઢવા માટે દર વર્ષે ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા પણ યોજવામાં આવે છે ત્યારે આજે ગિરનાર પર્વતમાં ભૈરવ ટૂંક તરીકે ઓળખાતા ઉંચા પર્વત ઉપર એક યુવાન હૈરતઅંગેજ રીતે કોઈપણ જાતના સહારા વગર જ સડસડાટ પર્વત ચઢતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સ્પાઈડર મેન શીર્ષક સાથે વાયરલ થયેલ બે મિનિટ અને પચીસ સેકન્ડનો આ વિડીયો ગિરનાર પર્વત ઉપર આવેલા કોઈ સહેલાણીએ ઉતાર્યો હોય તેવું જણાઈ આવે છે.ભૈરવ ટૂંક ખુબ જ ઉંચાઈ ઉપર આવેલ છે અને ત્યાંથી ગબડી પડાઈ તો સીધા જ ખાઈમાં પાડવાનું જોખમ રહેલું હોવા છતાં આ હિમતવાન યુવાન જાણે કરતબ દેખાડતો હોય તેમ કોઈપણ જાતના ડર વગર ભૈરવ ટૂંકની પહાડીની સીધી અને કઠિન ચઢાઈ આસાનીથી ચડી ઉપર ફરકતી ધ્વજ સુધી પહોંચી જતો વીડિયોમાં જોવા મળે છે.