લુખ્ખાગીરી : હોટલમાં જમવાના પૈસા આપવાનો ઇનકાર કરી હોટલ માલિક ઉપર હુમલો

ચોરવાડની પોસ્ટ ઓફીસ રોડ પર આવેલી હોટેલમાં ત્રણ લુખ્ખાઓએ ધમાલ મચાવી

જૂનાગઢ : ચોરવાડની પોસ્ટ ઓફીસ રોડ પર આવેલી હોટેલમાં ત્રણ લુખ્ખાઓએ ધમાલ મચાવી હતી. જેમાં હોટલમાં જમી લીધા બાદ લુખ્ખાઓએ દાદાગીરી ઉપર ઉતરી આવી બીલ આપવાનો ઇનકાર કરી હોટેલ માલિક તેમજ અન્ય વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે હોટલના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાયાભાઇ હિરાભાઇ પંડીત (ઉ.વ ૬૬ ધંધો આર્મી નિવૃત તથા હાલ વેપાર રહે ચોરવાડ પોસ્ટ ઓફીસ રોડ) એ આરોપીઓ રવિ રામજી વાજા રહે ચોરવાડ ખડા વિસ્તાર તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ના રોજ ચોરવાડ પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલી ફરીયાદીની હોટલે આરોપીઓ જમવા ગયેલ હોય અને જમવાના પૈસા ન આપવાનુ કહી ફરીયાદી સાથે ઝઘડો કરી આરોપી રવિ રામજી વાજાએ ફરીયાદીને માથામા લોખંડની કોસનો એક ઘા મારી તથા ડાબા હાથમા ઇજા કરી તથા પથ્થર વડે શરીરે ઇજાઓ કરી ફરીયાદીનો સોનાનો ચેઇન તથા હાથમા પહેરેલ લકકી તોડી નાખી તથા ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને પણ ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.