કાર ચાલકે ત્રિપલ સવાર બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢના નુનારડા ધાર તરફ જતા રોડ ઉપર દર્શાલી ગામની સીમ વાડી વિસ્તારમાં અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના નુનારડા ધાર તરફ જતા રોડ ઉપર દર્શાલી ગામની સીમ વાડી વિસ્તારમાં કાર ચાલકે ત્રિપલ સવાર બાઇકને ઠોકરે ચડાવતા ત્રણેય વ્યક્તિને ઇજા પહોંચી છે. આ બનાવની પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ખીમજીભાઇ અરશીભાઇ વાઠીયા (ઉ.વ.૬૦ રહે.પંચાળા વાડીએ તા.માંગરોળ) એ આરોપી અલ્ટો K 10 ફોરવ્હીલ કાર નં.GJ 03 HK 8655 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ના રોજ નુનારડા ધાર તરફ જતા રોડ ઉપર દર્શાલી ગામની સીમ વાડી વિસ્તાર આરોપીએ પોતાના હવાલાની કાર બેફીકરાઇથી અને પુરઝડપે ચલાવી વાડીના રોડ ઉપરથી ડામર રોડ ઉપર ચલાવી આવી ફરીયાદીના હવાલાનું બાઈકને હડફેટે લઇ ફરીયાદીને તથા સાહેદ કમીબેનને અને સાહેદ વિમલભાઇને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.