ગરવા ગિરનારની તળેટીથી જુનાગઢની શેરીએ ગલીએ સફાઈ ઝુંબેશ શરૂ

નરસૈયાની ધર્મભૂમિને એકદમ ચોખ્ખોચણાક કરવા માટે સમસ્ત મહાજન સંસ્થાની મુહિમમાં શહેરના અધિકારીઓ-પદાધિકારીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો, સફાઈ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં સ્વંય સેવકો જોડાયા

લબ્ધપ્રતિષ્ઠ લોકો પણ હાથમાં સાવરણા અને ઝાડુ લઈને શહેરને સ્વચ્છ બનાવવામાં મંડી પડ્યા

જૂનાગઢ : જૂનાગઢના સંત નરસૈયાની ધર્મભૂમિને એકદમ ચોખ્ખોચણાક કરવા માટે સમસ્ત મહાજન સંસ્થાએ આજથી સફાઈ ઝુંબેશની મુહિમનો લલકાર કર્યો છે. જેમાં આજે સવારથી જ ગરવા ગિરનારની તળેટીથી જુનાગઢની શેરીએ ગલીએ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં શહેરના અધિકારીઓ-પદાધિકારીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો, સફાઈ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં સ્વંય સેવકો જોડાયા છે.

સમસ્ત ગુજરાતમાં ગરવા ગિરનારને કારણે ધર્મનગરી તરીકે પ્રખ્યાત જૂનાગઢ શહેરને સ્વચ્છ કરવા માટે સમસ્ત મહાજન સંસ્થાએ બીડું ઉઠવ્યું છે અને આજે સવારથી જ ગરવા ગિરનારની તળેટીથી સઘન રીતે સફાઈ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના લબ્ધપ્રતિષ્ઠ લોકો પણ હાથમાં સાવરણા અને ઝાડુ લઈને શહેરને સ્વચ્છ બનાવવામાં મંડી પડ્યા છે. શહેરના અધિકારીઓ-પદાધિકારીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો, સફાઈ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં સ્વંય સેવકો જોડાયા હતા. ખાસ કરીને આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ , ધારાસભ્યના પુત્ર મનોજભાઈ જોશી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સફાઇ અભિયાન શરૂ કર્યું હતું.

આ તકે સમસ્ત મહાજન સંસ્થાના અગ્રણીઓ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આપણે ત્યાં વર્ષોથી સ્વચ્છતા ત્યાંજ પ્રભુતાની કહેવત છે. આ કહેવતનું ખરા અર્થમાં અનુસરીને આ ધર્મનગરીમાં ખરેખર પ્રભુનો સદાય વાસ હોય સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. આ જીવદયાના ઉમદા વિચારોને વરેલી આ સંસ્થાએ થોડા સમય અગાઉ પાલીતાણામાં સ્વચ્છતા અભિયાન ચળવ્યા બાદ જૂનાગઢમાં પણ સ્વચ્છ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ધાર્મિક નગરી સ્વચ્છતા મામલે ગુજરાત જ નહીં પુરા દેશમાં નંબર વન બને તેવી આ સંસ્થાની નેમ છે.