કોંગ્રેસની સરકાર આવશે તો કોવિડ મૃતકોના પરિજનોને 4 લાખની સહાય : જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ

જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા 3100 લોકોના ફોર્મ ભરાયા : નટુભાઈ પોંકીયા

જૂનાગઢ : કોરોના મહામારીની બીજી લહેરમાં લાખો લોકોના મૃત્યુ થયા બાદ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર પડતા હાલમાં મૃતકોના પરિજનોને રૂ.50 હજારની સહાય ચુકવવામાં પણ ગ્રાન્ટના અભાવે અનેક લોકો હજુ સહાયથી વંચિત છે ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રસ પ્રમુખ નટુભાઈ પોંકીયાએ 2022માં કોંગ્રેસ સતાસ્થાને આવશે તો પહેલી જ કેબિનેટમાં કોવિડ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4લાખની સહાય ચુકવવામાં આવશે તેવું જાહેર કર્યું છે.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લાખો લોકોએ સ્વજન ગુમાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા અંતર્ગત કોરોના મૃતકોના પરિવારજનોના ફોર્મ ભર્યા હતા જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં શહેરમાં 650 અને ગ્રામ્યમાં 2450 મળી કુલ 3100 ફોર્મ ભરાયા હોવાનું પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

વધુમાં આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે મૃતકોના આંકડા જ છુપાવવાનો ખેલ કર્યો હતો જિલ્લામાં 3100 જેટલા લોકોએ કોરોનામાં સ્વજન ગુમાવ્યા હોવા અંગે ફોર્મ ભર્યા છે ત્યારે સરકારી આંકડો જૂનાગઢ જિલ્લામાં માત્ર 168 મૃત્યુ થયા હોવાના ખોટા આંકડા દર્શાવે છે.

અંતમાં નટુભાઈએ ઉમેર્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સતાસ્થાને આવશે તો પ્રથમ કેબિનેટમાં જ કોરોના મહામારીમાં સ્વજન ગુમાવનારા લોકોને રૂપિયા 4 લાખની સહાય ચુકવશે ઉપરાંત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના પરિવારજનોને પણ સહાય ન મળવાના કિસ્સામાં પણ ન્યાયિક કાર્યવાહી કરશે.