વંથલી પોલીસ સ્ટેશનમાં ડો.ભીમરાવ આંબેડકર સાહેબના ફોટો ઉતારવા અંગેની અફવાઓનું ખંડન કરતા નાયબ પોલીસ અધિક્ષક

બનાવને સોશીયલ મીડીયા વિપરિત ચીતરવા અંગે જાહેર જનતા જોગ સ્પષ્ટતા

જૂનાગઢ : તાજેતરમાં વંથલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સપેકટરની ચેમ્બરમાં રહેલ ડો. ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો ઉતારવા બાબતનો મેસેજ સોશીયલ મીડીયામાં અમુક વ્યકિતઓ દ્વારા હકિકતથી વીપરીત રીતે દર્શાવીને વાયરલ કરવામાં આવેલ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કેશોદ વિભાગના જે.બી. ગઢવીએ સ્પષ્ટ કર્યું છે.

નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વંથલી પોલીસ સ્ટેશન ખાતે રીનોવેશનની કામગીરી ચાલુ હતી જે દરમ્યાન ડો. ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો રીનોવેશનની કામગીરી કરવા માટે ઉતારાવામાં આવેલ હતો અને ત્યારબાદ શરતચુકથી ક્યાંક મુકાઇ ગયેલ હતો. આ બાબતે ખરેખર ડો. ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો ઇરાદાપૂર્વક કે કોઇની લાગણી દુભાવવા માટે ઉતારેલ ન હોય, પરંતુ રીનોવેશનની કામગીરી દરમ્યાન ઉતારેલ હોય જે શરતચુકથી ક્યાંક મુકાઇ ગયેલ છે.

આ બાબતે પોલીસની કાયદેસરની કામગીરીથી નારાજ થઇ અને વિઘ્નસંતોષી માણસો દ્વારા પોતાનો ચોકકસ ઇરાદો પાર પાડવા લાભ લઇ હકિકતને ખોટી રીતે રજુ કરી અફવાઓ ફેલાવી સમાજમાં ગેરસમજ ઉભી કરેલ છે. તેમ છતાં આ બાબતે કોઇપણ વ્યકિતને પોલીસ વિરૂધ્ધની કોઇપણ રજુઆત હોય તો પોલીસ અધિક્ષક, જૂનાગઢ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ વિભાગને પોતાની રજુઆત લેખીત સ્વરૂપે અથવા મૌખીક સ્વરૂપે કરી શકે છે.

તેમજ નાગરિકોને આ બાબતે સોશીયલ મીડીયામાં ફરતા અમુક તથ્યહિન અને ગેરમાર્ગે દોરનારા મેસેજો અન્ય કોઇને ફોરવર્ડ કરવા નહિ અને આવા ભ્રામક મેસેજોથી દુર રહેવા અપીલ પણ કરવામાં આવે છે.તેમ છતા જો આ બાબતે કોઇપણ વ્યકિત દ્વારા ગેરકાયદેસર રીતે ધરણા, પ્રદર્શન દ્વારા અથવા ખોટી અફવાઓ ફેલાવી અન્ય લોકોમાં ગેરસમજ ઉભી કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લેવા અંતમાં જણાવાયું છે.