જૂનાગઢમાં ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ ભાવપૂર્વક ઉજવાયો

આ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણીમાં ભાવિકો માતાજીની આરાધના માટે ભાવવિભોર

મહિલાઓ દ્વારા રાસોત્સવ, નાની બાળાઓએ માતાજીની પ્રતિમા પાસે રંગોળીમાં રંગ ભર્યા

જૂનાગઢ : આજે મા ખોડલની પ્રાણપ્રતિસ્થાના પાંચ વર્ષ પુરા થયા ત્યારે પંચ વર્ષીય પાટોત્સવના અનુસંધાને ધ્વજારોહણ, પૂજન, અર્ચન, મહાઆરતી સમૂહ રાષ્ટ્રગીત તેમજ નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશ સહિત ઘણી બધા કાર્યક્રમોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ આયોજન થયું. પંચવર્ષીય પાટોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે યોજાઇ તે માટે ખોડલધામ સમિતિ જૂનાગઢના તમામ સભ્યએ જહેમત ઉઠાવી ભાવપૂર્વક પાટોત્સવ ઉજવ્યો હતો.

લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક સમાન કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે પંચમ પાટોત્સવ યોજાયો જેને લઇને લેઉવા પાટીદાર સમાજના આગેવાનોમાં તથા દરેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો કોરોનાનું સંક્ર્મણ વધતા આ વખતે આ કાર્યક્રમને વર્ચ્યુઅલી ઉજવાયો હતો પરંતુ ઓનલાઈન કાર્યક્રમમાં પણ વધુમાં વધુ દિવ્ય અને ભવ્ય કઈ રીતે બની શકાય તે માટે દરેક જિલ્લા તથા તાલુકા માં કન્વીનર દ્વારા કાર્યક્રમની રૂપરેખા મુજબ જહેમત ઉઠાવી હતી.ત્યારે જૂનાગઢમાં પણ આ પંચવર્ષીય પાટોત્સવનું આયોજન જુનાગઢ સીટીમાં ટોટલ 69 જગ્યાએ સ્ક્રીન પર ઓનલાઈન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં કુલ 678 જગ્યાએ લાઈવ સ્ક્રીનમાં લોકોએ માતાજીના દર્શન કર્યા હતા તથા ભવ્ય આરતીનો લાભ લીધો હતો અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત રાષ્ટ્રગીતમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ રૂપાપરા ટ્રસ્ટી ખોડલધામ ,પરેશ ભાઈ ડોબરીયા કન્વીનર ખોડલધામ જૂનાગઢ જિલ્લા, નયનાબેન વઘાસિયા મહિલા કન્વીનર ખોડલધામ જૂનાગઢ જિલ્લા અને સમગ્ર ખોડલધામ સમિતિઓ એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.