જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો ઉતાર ચડાવ જારી : આજે 69 પોઝિટિવ કેસ

એક સાથે 115 કોરોના દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ આપાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનામાં ઉતાર ચઢાવ વચ્ચે આજે કોરોનાગ્રાફ સડસડાટ નીચે ઉતરી ગયો હોય તેમ સમગ્ર જિલ્લામાં 69 નાગરિકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે પણ જિલ્લામાં સૌથી વધુ 56 કેસ જૂનાગઢમાં નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ આજે જૂનાગઢ જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન નવા 69 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 56, જૂનાગઢ ગ્રામ્યમાં 2, કેશોદમાં 2, ભેસાણ, માળીયા, માણાવદર અને માંગરોળમાં એક – એક અને વંથલીમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે મેંદરડા અને વિસાવદરમાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં આજે કુલ 115 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરના 107, ગ્રામ્યના બે, કેશોદના 2 અને વંથલીના 4 દર્દીઓનો સમાવેશ થાય છે.

બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 46 ધનવંતરી રથ દ્વારા 4317 નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી શહેર અને જિલ્લાના 2335 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.