પત્નીના સંબંધો વિશે એલફેલ બોલી પતિને ધમકાવ્યો

જૂનાગઢના ઈસ્કોન હાઈટસ મોતીપેલેસ ટાઉનશીપ અંજનેય પેટ્રોલપંપ પાસેના બનાવમાં બે સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના ઈસ્કોન હાઈટસ મોતીપેલેસ ટાઉનશીપ અંજનેય પેટ્રોલપંપ પાસે પત્નીના સંબંધો વિશે એલફેલ બોલી બે શખ્સોએ પતિને જુનાગઢ શહેર મુકી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દર્શનભાઈ પ્રફુલચંદ્ર પુરોહિત (ઉ.વ.૩૨ રહે.બ્લોક નં-બી/૭૦૧ ઈસ્કોન હાઈટસ મોતીપેલેસ ટાઉનશીપ અંજનેય પેટ્રોલપંપ પાસે જુનાગઢ) એ આરોપીઓ રોહિતભાઈ દેવસીભાઈ બારીયા તથા એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામા
તથા સાંજના આશરે આઠેક વાગ્યાના સમયે ફરીયાદીને આરોપી રોહિતભાઈ દેવસીભાઈ બારીયાએ તેના મોબાઈલ ઉપરથી ફરીયાદીને ફોન કરી ફરીયાદી તથા તેની પત્નિના સબંધો બાબતે ખોટા આક્ષેપો કરી અને ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ જુનાગઢ શહેર મુકી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આ રોહિતભાઈ સાથેની અન્ય વ્યક્તિએ પણ ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.