બુટલેગરોએ ભાગીદારીમાં ધંધો કરવા દારૂ-બિયર મંગવ્યો ને પોલીસે ખેલ ચોપટ કરી દીધો

કેશોદના અગતરાય ગામ ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનમાં દારૂના કટીંગ દરમિયાન પોલીસ ત્રાટકી, રૂા.૧૮,૮૮,૮૦૦ ની કિંમતના દારૂ બિયર સાથે એક ઝડપાયો, બે ફરાર

જૂનાગઢ : કેશોદના અગતરાય ગામ ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનમાં દારૂના કટીંગ દરમિયાન પોલીસ ત્રાટકી હતી. જેમાં બુટલેગરોએ ભાગીદારીમાં ધંધો કરવા દારૂ-બિયર મંગવ્યો હતો અને પોલીસે ખેલ ચોપટ કરી દીધો હતો. હાલ પોલીસે રૂા.૧૮,૮૮,૮૦૦ ની કિંમતના દારૂ બિયર સાથે એકને ઝડપી લીધો છે. જ્યારે બે આરોપીઓને ફરાર દર્શાવ્યા છે.

કેશોદના અગતરાય ગામ ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમે દરોડો પડયો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી કાસમ રફીક ગામેતી (રહે. અગતરાય તા. કેશોદ) તથા રફીક ઉર્ફે ભોણીયો ઇસ્માઇલ સાંધ (રહે. ટીકર તા. વંથલી)એ મોટો આર્થીક નફો મેળવવા માટે પુર્વ આયોજીત કાવત્રૂ કરી ભાગીદારીમાં બહારના રાજ્યમાંથી કોઇપણ વાહનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી આ દારૂનો જથ્થો તેઓના સાગ્રિત સંજય ભરતભઇ વાસણ કોળી ઉ.વ.૨૮ રહે. કેશોદ, ગંગનાથપરા-૨ વાળા મારફતે જેટકો સબ સ્ટેશન ૬૬ કે.વી. અગતરાય મંગલપુર રોડ તા.કેશોદ સબસ્ટેશનમાં કટીંગ કરી કરાવી વિદેશી દારૂ તથા બીયરની જુદી-જુદી બ્રાન્ડની પેટી નંગ-૪૨૭ તથા નાની મોટી બોટલ અને બીયર ટીન મળી કુલ નંગ-૯૬૭૨ જેની કિ.રૂા.૧૮,૮૮,૮૦૦ તેમજ મો.ફોન-૧ કિ.રૂા.૧૦,૦૦૦/- મળી કુલકિ.રૂા.૧૮,૯૮,૮૦૦/- સાથે આરોપી સંજય ભરતભઇ વાસણ કોળીને ઝડપી લીધો હતો.જ્યારે આરોપીઓ કાસમ રફીક હીંગોરજા અને રફીક ઉર્ફે ભોણીયો ઇસ્માલભાઇ સાંધ હાજર ન મળી આવતા પોલીસે આ બન્નેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.