કોલેજમાં ખોટા આંટાફેરા કરનારાને ટપારતા ABVPના નગર મંત્રી પર હુમલો

ભેસાણની મામલતદાર કચેરી પાસેના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણની કોલેજમાં બે શખ્સોએ ખોટી રીતે આંટાફેરા કરતા હોવાનું ધ્યાને આવતા આ બાબતે કોલેજમાં ભણતા ABVPના નગર મંત્રીએ પ્રિન્સિપાલને રજુઆત કરતા મામલો બીચકાયો હતો. આ બાબતનો ખાર રાખી બન્ને શખ્સોએ કોલેજમાં ભણતા ABVPના નગર મંત્રીને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જેનીશભાઇ રાજેશભાઇ ભાયાણી (ઉ.વ ૨૧ રહે.સરદાર ચોક, ચણાકા પ્લોટ ભેસાણ જી. જુનાગઢ) એ આરોપીઓ ગોપલભાઇ પુરોહીત, સૌરભભાઇ પુરોહીત સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદી ભેસાણ વિનયન કોલેજ ખાતે અભ્યાસ કરતા હોય અને ABVP ના નગર મંત્રી હોય ત્યારે એક આરોપી ત્યા કામ વગર આટા ફેરા કરતા હોય જેથી ફરીયાદીએ આ બાબતે પ્રિન્સીપાલને રજુઆત કરતા જેનુ મનદુખ રાખી આરોપીઓએ ભેસાણ મામલતદાર કચેરી પાસે ફરીયાદીને ઝાપટો મારી ઢીકાપાટુનો માર મારી ખોવાઇ જાઇશ તેવી ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.