શાળાની બાજુમાં ખુલ્લા પટ્ટમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

વંથલીના નાંદરખી ગામે પોલીસે જુગારની રેઇડ કરી રૂ.૨૦,૯૩૦નો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલીના નાંદરખી ગામે ગઈકાલે પોલીસે રેઇડ કરીને શાળાની બાજુમાં ખુલ્લા પટ્ટમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રૂ.૨૦,૯૩૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલીના નાંદરખી ગામે આવેલ પ્રાથમિક શાળાની બાજુમા પટ્ટમાં ગઈકાલે તા.૧૯ના રોજ કેટલાક સ્ત્રી પુરૂષો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા આ સ્થળે વંથલી પોલીસ સ્ટાફે રેઇડ કરી હતી અને પોલીસે આ સ્થળે જુગાર રમતા આરોપીઓ જીગ્નેશભાઈ હરીભાઈ ચાવડા, ગોવિંદભાઈ બચુભાઈ ભારાઈ, રાજીબેન સામતભાઈ ભારાઈ, નીતાબેન ભુપતભાઈ સુત્રેજા, શોભનાબેન જગદીશભાઈ સંતોકી, જોશનાબેન મહેશભાઈ તન્ના, રંજનબેન ગોપાલભાઈ તારપરાને રોકડા રૂ.૯,૪૩૦ તથા મોબાઈલ ફોન – ૫ કિ.રૂ.૧૧,૫૦૦ મળી કુલ કિ.રૂ.૨૦,૯૩૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.