વાડીમાં છુપાવેલા 150 બોટલ મોંઘાદાટ વિદેશી શરાબ સાથે એક ઝડપાયો

ચોરવાડના વાડી વિસ્તારમાં પોલીસ દરોડો પાડતા અન્ય બે આરોપીઓ ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ચોરવાડના વાડી વિસ્તારમાં પોલીસે ગઈકાલે દરોડો પાડી વાડીમાં છુપાવેલા 150 બોટલ મોંઘાદાટ વિદેશી શરાબ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફેરીમાં અન્ય બે આરોપીઓના નામ ખુલતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડમાં આવેલ ભુરીબેનની ખાંભીની બાજુમાં આરોપી વિનોદ ઉર્ફે ગટો વરજાંગભાઇ સોલંકીની વાડીમાં દારૂની રેઇડ કરી હતી. પોલીસે વાડીમાં છુપાવેલા ભારતીય બનાવટના ઇંગ્લીશ પીવાના દારૂની ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસકી ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓન્લી લખેલી ૭૫૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલ નંગ- ૧૫૦ જેની કી રૂ- ૬૦,૦૦૦ નો પ્રોહી મુદામાલ સાથે આરોપી વિનોદ ઉર્ફે ગટો વરજાંગભાઇ સોલંકીને ઝડપી લીધો હતો.જ્યારે બીજા બે આરોપીઓ રાકેશ કરશનભાઇ ડાભી,મનોજ ઉકા ડાભી હાજર ન મળી આવતા તેમની સામે પણ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.