જૂનાગઢમાં કોર્ટ પાસેની જુનવાણી ગેઇટની કમાન ધરાશાયી, બેથી વધુ શ્રમિકો ફસાયા

રીનોવેશનની કામગીરી દરમિયાન ગેઇટની કમાન તૂટી પડી

જૂનાગઢ : જૂનાગઢની કોર્ટની પાસે આવેલ જુનવાણી ગેઇટની કમાન આજે રીનોવેશનની કામગીરી દરમિયાન તૂટી પડી હતી. જેમાં જુનવાણી ગેઇટની કમાન ધરાશાયી થતા બેથી વધુ શ્રમિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.જેમાંથી હાલ એક શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ કોર્ટ પાસે આવેલ જુનવાણી ગેઇટ જર્જરિત હોવાથી તેનું રીનોવેશન કામ ચાલતું હતું. જો કે મહાબત મકબરાની સાથે આ ગેઇટનું પણ રીનોવેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન આજે અચાનક ગેઇટની કમાન તૂટી પડી હતી. આ ગેઇટ ધરાશાયી થતા બેથી વધુ શ્રમિકો ફસાઈ ગયા હતા. તેમાંથી એક શ્રમિકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જુનવાણી ગેઉટની કમાન પડતા અન્ય શ્રમિકોને બહાર ખસેડવામાં આવ્યા છે અને કાટમાળ દૂર કરીને ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની હાલ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.