જૂનાગઢમાં કોરોના ભૂરાયો : નવા 156 કેસ

શહેરમાં 129 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા : ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો તરખાટ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના ભૂરાયો થયો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે નવા 159 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં એકલા જૂનાગઢ શહેરમાં જ 129 કેસ નોંધાતા દિનપ્રતિદિન શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ બેફામ પણે વકરી રહ્યાનું સ્પષ્ટ બન્યું છે. બીજી તરફ માળીયા હાટીનાને બાદ કરતાં તમામ નવ તાલુકામાં પણ વધતા ઓછા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે હાથ ધરવામાં આવેલ કોરોના ટેસ્ટિંગ દરમિયાન જિલ્લામાં કુલ 159 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 129, ગ્રામ્યમાં 4, કેશોદમાં 11,ભેસાણમાં 1, માણાવદરમાં 1, મેંદારડામાં 2, માંગરોળમાં 1, વંથલીમાં 5 અને વિસાવદરમાં 5 કેસ નોંધાયા હતા. જો કે આજે માળીયા તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

દરમિયાન આજે જૂનાગઢ જિલ્લામાં 67 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજે 47 ધનવંતરી રથ દ્વારા 4419 લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળી 3266 લોકોને કોરોના વેકસીનનું સુરક્ષા ચક્ર પ્રદાન કરાયું હતું.