લીંબુડીનું ઝાડ કાપવાની ના પાડતા યુવાનને માર પડ્યો

માણાવદરના જીંજરી ગમે બનેલી ઘટનામાં ત્રણ આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ

જૂનાગઢ : માણાવદર તાલુકાના જીંજરી ગામે બાવળ કાપવાનું કામ રાખનાર યુવાનને બાજુમાં રહેતા ત્રણ આરોપીઓએ લીંબુડીનું ઝાડ કાપવાનું કહેતા ફરિયાદીએ ના પડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ યુવાનને માર મારતા માણાવદર પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માણાવદર તાલુકાના થાનીયાણા ગામે રહેતા અરજણભાઇ મુળજીભાઇ પારઘી ઉ.વ.૩૫ નામના યુવાને જીંજરી ગામે બાવળ કાપવાનું કામ રાખ્યું હોવાથી બાવળ કાપતા હતા ત્યારે જીંજરી ગામના લાલભાઇ ભીખુભાઇ કારડીયા, કટૃી ભીખુ કારડીયા, કારા ખેંગાર કારડીયાએ અરજણભાઇને પોતાના ઘરની દીવાલની બાજુમાં આવેલ લીંબુડીનું ઝાડ કાપવાનું કહેતા અરજણભાઇએ લીંબુડી કાપવાની ના પાડી હતી.

વધુમાં લીંબુડીનનું ઝાડ કાપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ અરજણભાઇને ઢીકાપાટુનો મારમારી કુહાડાનો ઘા મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ત્રણેય વિરુદ્ધ માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૧૧૪, જી.પી.એકટ ક.૧૩૫, એટ્રોસીટી એકટ ક ૩(૧) (R)(S), ૩(૨) ૫એ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.