રીસામણે બેઠેલી પરિણીતાના સમાધાન મામલે જમાઈ અને સાસરિયા વચ્ચે બઘડાટી

સાળા અને બનેવીએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢની પ્રદીપ ટોકીઝ પાસે રિસામણે બેઠેલી પરિણીતાના સમાધાન મુદ્દે બન્ને પક્ષના લોકો એકઠા થયા બાદ મામલો બીચકાયો હતો અને જમાઈ અને સાસરિયા વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મુદ્દે સાળા અને બનેવીએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશ વિજયભાઇ સોલંકી (ઉ.વ.૩૩ રહે.મધુરમ મામાદેવના મંદીર સામે સોમનાથ ટાઉનસીપ જુનાગઢ) એ આરોપીઓ સાળા રમેશ ઉર્ફે અમીત અને સસરા વિનુભાઇ (રહે. બંને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પત્ની તેના પિતાના ઘરે રીસામણે હોય ફરી ત્યા સમાધાન કરવા બોલાવતા આરોપીઓએ ફરીને જેમ ફાવે તેમ ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી તથા લાકડી વડે ફરીયાદીને બન્ને હાથમા ઇજાઓ કરી હતી.

સામાપક્ષે રમેશભાઇ ઉર્ફે અમીતભાઇ વિનુભાઇ પરમાર (ઉ.વ.૨૬ રહે.પ્રદીપ ટૉકીઝ પાસે જુનાગઢ) એ પોતાના બનેવી પ્રકાશ વિજયભાઇ સોલંકી તેમજ લાલુભાઇ (રહે. બંને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના બહેન ફરીયાદીના ઘરે રીસામણે હોય અને ફરીયાદીના બનેવી ત્યા સમાધાન માટે આવતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીને જેમ ફાવે તેમ ગાળો આપી પટ્ટા વડે વાસામા તથા ડાબા હાથમા ઇજાઓ કરેલ તથા ફરીના પિતાને ઢીકાપાટુનો માર મારી ઇજાઓ તથા ફરીયાદીની બહેનને પાઇપ વડે ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.