લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

વંથલીના સેંદરડા ગામેં વાડીની ઓરડીમાં સુતેલા મહિલા પોલીસના માતાપિતાની હત્યા કરી લૂંટારુઓ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 7 લાખ લૂંટી ગયા

જૂનાગઢ : વંથલીના સેંદરડા ગામેં વાડીની ઓરડીમાં સુતેલા પોલીસમેનના માતાપિતાની લૂંટના ઇરાદે હત્યા થયાનો ગઈકાલે બનાવ સામે આવ્યો હતો. આ બનાવને પગલે જૂનાગઢ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બનાવ અંગે મૃતકના પુત્રએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા પોલીસના માતાપિતાની હત્યા કરી લૂંટારુઓ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 7 લાખ લૂંટી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલીના સેંદરડા ગામેં વાડીની ઓરડીમાં સુતેલા મહિલા પોલીસના માતા જાલુબેન ઉ.વ.૭૦ તથા પિતા રાજાભાઈ દેવદાનભાઈ ઉ.વ.૬૫ની અજાણ્યા શખ્સોએ ગઈકાલે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. જો કે નાના એવા ગામમાં લૂંટના ઇરાદે ડબલ મર્ડરની ઘટના સામે આવતા સોંપો પડી ગયો હતો. દરમિયાન આ બનાવ અંગે મૃતકના પુત્ર અશ્વિનભાઈ રાજાભાઈ જીલડીયા આહીર (ઉ.વ.૩૪ રહે.ટીનમસ, પ્લોટ વિસ્તાર તા.વંથલી મુળ રહે.સેંદરડા તા.વંથલી) એ અજાણ્યો ઈસમ સામે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના માતા જાલુબેન ઉ.વ.૭૦ તથા પિતા રાજાભાઈ દેવદાનભાઈ ઉ.વ.૬૫ વાળા વંથલીના સેંદરડા ગામની સીમમાં પોતાની વાડીએ એકલા ઓસરીમાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે બન્નેના મોઢા ઉપર ગંભીર ઈજાઓ કરી બન્નેના ખુન કરી જાલુબેનના કાનમાંથી સોનાના ડુલ, તથા ઘરમાં પેટીમાં રાખેલ રોકડા રૂા.૨,૫૦,૦૦૦ તથા સોનાના દાગીના સોનાના હાર નંગ-ર તથા સોનાનો દોરો તથા સોનાના હાથના પોચા જોડ એક તથા સોનાની સાત વીટી જે તમામ દાગીના કિ.રૂા.૪,૫૦,૦૦૦ મળી કુલ રૂા.૭,૦૦,૦૦૦ ના મુદામાલની કોઈ લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવની વંથલીના પીએસઆઇ એ.પી.ડોડીયા સહિતની ટીમ સઘન તપાસ ચાલવી રહી છે.