હલ્દીઘાટીના યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપને સલામત જગ્યાએ પહોંચાડ્યા બાદ ચેતકે પ્રાણ છોડેલા

19 જાન્યુઆરી : આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ

મહારાણા પ્રતાપનું નામ ઇતિહાસમાં વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. તેમનો જન્મ 1540માં 9મી મેના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 1597માં 19મી જાન્યુઆરીના રોજ થયું હતું. તેમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કુંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો. અકબર સાથેના હલ્દીઘાટીના યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું હતું. આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ છે. ત્યારે તેમના પ્રિય અશ્વ ચેતક વિષે અવનવી વાતો જાણીએ.

મહારાણા પ્રતાપના અશ્વ ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા. મહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.

ચેતક ઘોડાનાં માથે બાંધવામાં આવ્યું હતું હાથીનું મહોરું

હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન મુઘલ સેનામાં હાથીઓની સંખ્યા વધારે હોવાનાં કારણે ચેતકનાં માથે હાથીનું મહોરું બાંધવામાં આવ્યું હતુ. જેથી હાથીઓને ભરમાવી શકાય. કહેવાય છે કે, ચેતક પર સવાર મહારાણા પ્રતાપ એક બાદ એક દુશ્મનોનો સફાયો કરતા કરતા સેનાપતિ માનસિંહનાં હાથીની સામે પહોંચી ગયા હતા. તે હાથીની સૂંઢમાં તલવાર બાંધેલી હતી. મહારાણાએ ચેતકને એડી લગાવી અને તે સીધા માનસિંહનાં હાથીનાં માથે ચઢી ગયા. માનસિંહ નીચે છુપાઈ ગયો અને મહારાણાનાં હુમલાથી મહાવતનું મૃત્યુ થયું. હાથી પરથી ઉતરતા સમયે ચેતકનો એક પગ હાથીની સૂંઢમાં બંધાયેલી તલવારથી કપાઈ ગયો.

મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો એક પગ કપાયેલો હોવા છત્તા મહારાણાને સલામત જગ્યાએ લઈ જવા માટે ક્યાંય રોકાયા વગર પાંચ કિલોમીટર સુધી દોડ્યો. ઉપરાંત રસ્તામાં આવતા વરસાદી ઝરણાને પણ એક છલાંગમાં પાર કરી લીધુ રાણાને સલામત જગ્યાએ પહોંચાડ્યા બાદ જ ચેતકે તેનાં પ્રાણ છોડ્યા.

અંતે પોતાનું કાર્ય કરતાં તે 21 જૂન, 1576ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. ઈતિહાસમાં મહારાણા પ્રતાપની સાથે ચેતકની બહાદુરી અને વફાદારી અમર થઇ ગઈ. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.