રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન જૂનાગઢની મુલાકાતે

સફાઈ કામદારોના પ્રશ્નો સાંભળી ઉકેલની ખાતરી આપી

જૂનાગઢ : રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેઓએ સફાઈ કામદારોના વિસ્તારની મુલાકાત લઈ તેમને પડતી મુશ્કેલી અને સમસ્યા જાણી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન એમ.વેંકટેશને આજે જૂનાગઢ ખાતે સફાઇ કર્મચારીઓના મહોલ્લાની મુલાકાત લીધી હતી. જૂનાગઢ શહેરની ગોધાવાવની પાટી વિસ્તારમાં વાલ્મીકી સમાજના ૭ હજારથી વધુ લોકોનો વસવાટ છે ત્યાં વેંકટેશને ગોધાવાવની પાટી ખાતે બે કલાક જેટલુ રોકાણ કરીને સફાઇ કર્મચારીઓના પ્રશ્નો-રજૂઆતો સાંભળવા સાથે ચાલીને સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે અહીં સફાઇ કર્મી બહેનોની રજૂઆતો પણ સાંભળી હતી.
સફાઇ કર્મીઓને મળતુ વેતન, આવાસ સુવિધા, લઘુત્તમ વેતન, મેડિકલ રજા, કોન્ટ્રાક્ટ પ્રથા, સફાઇ કર્મીઓની નિયમિત આરોગ્ય ચકાસણી ઉપરાંત બાળકોના શિક્ષણ અંગે માહિતગાર થઇ હકારાત્મક અભિગમ સાથે સફાઇ કર્મીઓના પ્રશ્નો-રજૂઆતોનું નિરાકરણ કરાશે તેમ આયોગના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.

ગોધાવાવની પાટી ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલ, કોર્પોરેટર ગીતાબેન પરમાર, મોહનભાઇ પરમાર સહિતના આગેવાનો ચેરમેન એમ.વેંકટેશનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.
મહોલ્લાની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોગના ચેરમેનશ્રી એમ.વેંકટેશના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સફાઇ કર્મીઓ ઉપરાંત તેમના પ્રતિનિધિઓએ સિવિલ હોસ્પિટલ, કોર્પોરેશન, વિવિધ નગરપાલિકા વિસ્તારોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત સફાઇ કર્મીઓને ફરજ દરમિયાન કોઇ મુશ્કેલીઓ જણાય તો તેનું નિરાકરણ કરવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, મ્યુ.કમિશનર આર.એમ.તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, અધિક નિવાસી કલેક્ટર એલ. બી. બાંભણિયા, જિલ્લા પછાત વર્ગ કલ્યાણના અધિકારી મકવાણા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.સુશીલ કુમાર, નાયબ જિલ્લા પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપરાંત વાલ્મીકી સમાજના આગેવાનોમાં મોહનભાઇ પરમાર, પ્રેમજીભાઇ પરમાર, વાલભાઇ આમહેડા, દિનેશભાઇ ચુડાસમા, સી.ડી.પરમાર સહિત સફાઇ કર્મચારીઓ ઉપસ્થિત રહી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.