વંથલીના સેદરડા વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના

જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યાથી ચકચાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા વાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્નીની હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ડબલ મર્ડરની આ ઘટનામાં હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતક જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વંથલી તાલુકાના સેદરડા વાડી વિસ્તારમાં રહેતા રાજાભાઈ દેવરાજભાઇ જીલરીયા અને તેમના પત્ની જુલુબેન રાજાભાઈ જીલરીયાની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા વંથલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક રાજાભાઈ દેવરાજભાઇ જીલરીયા અને તેમના પત્ની જુલુબેન રાજાભાઈ જીલરીયાના પુત્રી કુંવરબેન જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળે છે. હાલમાં વંથલી પોલીસે ડબલ મર્ડરની આ ઘટનામાં ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.