જૂનાગઢ મહાપાલિકાના જનરલ બોર્ડમાં શાસકોની વિકાસ ગાથાને વિપક્ષે વાયદાની વણઝાર ગણાવી

મેયર કહે છે કરોડોના ખર્ચે કોરોના કાળમાં પણ જનસુવિધાના કામો કર્યા : વિપક્ષે કહ્યું પહેલા પ્રજાને રસ્તે રઝળતા ઢોરના ત્રાસ અને કુતરાથી બચાવો

જૂનાગઢ : આજે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રથમ અઢી વર્ષની ટર્મ નુ છેલ્લું જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં મેયરે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કામો ની ગાથા ગાઈ હતી જ્યારે વિરોધ પક્ષે જૂનાગઢના મહત્વના તમામ વિકાસ કામો હજુ પણ અધ્ધરતાલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોને અઢી વર્ષની ટર્મ પૂરી થવાને આરે છે ત્યારે આજે છેલ્લું જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં મેયર ધીરુભાઈ ગોહિલ દ્વારા રુપિયા 523 કરોડના વિવિધ વિકાસ કામો જેમાં જૂનાગઢના મહત્વના તમામ રસ્તાઓ નું કામ પૂર્ણ થયું હોવાનું જણાવી જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ પણ હાલ કાર્યરત છે જેથી ગંદકીની સમસ્યા દૂર થશે તેઓ દાવો કર્યો હતો.ઉપરાંત જૂનાગઢના રિંગ રોડનો પ્રશ્ન ઉકેલાઈ ગયાનું જણાવી તળાવના બ્યુટીફીકેશન કામ ઉપરાંત ટિમ્બાવાળી અને ભવનાથમાં આરોગ્ય સેન્ટર શરૂ થયાનું જણાવ્યું હતું.

જ્યારે વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા અને એનસીપીના નગરસેવકોએ નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન રખડતા ઢોર અને કૂતરાઓનો ત્રાસ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ માટે ઓવરબ્રિજ જુનાગઢ ફાટક મુક્ત સહીતના મહત્વના પ્રશ્નો હજુ પણ અધ્ધરતાલ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને નગર સેવક મહેન્દ્ર મશરૂએ પણ જૂનાગઢ શહેરમાં કુતરાઓના અસહ્ય ત્રાસ બાબતે કમિટી બનાવી તેનો યોગ્ય નિરાકરણ કરવાની રજુઆત કરતા જનરલ બોર્ડ દ્વારા તાત્કાલિક કમિટી પણ બનાવી નાખવામાં આવી હતી.