તસ્કર ટ્રોલી સાથેનું આખેઆખું ટ્રેકટર બઠાવી ગયો

મેંદરડાના નાગલપુર ગામની સીમમાં એક શખ્સે ટ્રેકટરની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ઠંડી વધતાની સાથે જ તસ્કરો સક્રિય થયા હોય એમ હમણાંથી ચોરીના બનાવો ઉતરોતર રીતે વધી રહ્યા છે. ત્યારે મેંદરડાના નાગલપુર ગામની સીમમાંથી એક તસ્કર ટ્રોલી સાથેનું આખેઆખું ટ્રેકટર બઠાવી ગયો હતો. જેમાં આ તસ્કર આ ટ્રેકટરની ચોરી કરી ગયાની ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદ ગોવિંદભાઇ વિક્રમભાઇ કાંબલીયા (ઉ.વ.૪૫ રહે.નાગલપુર ગરબી ચોક તા.મેંદરડા જી.જુનાગઢ) એ આરોપી રામકુભાઇ વીહાભાઇ વાળા (રહે.શોભાવડલા ગીર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ના રોજ નાગલપુર ગામની સીમમાં ફરીયાદીનું મેસી TAFE MF 1134 DI કંપનીનું એક ટ્રેક્ટર નંબર GJ.11.BH.2924 નું કિ.રૂ.૫,૫૦,૦૦૦ ની તથા શ્રીરામ એગ્રો કંપનીનું ટ્રેઇલર નંબર 4745 ની કિ.રૂ.૧,૫૦,૦૦૦ નું ટ્રેક્ટર સાથે ટ્રોલી જેની કુલ કિ.રૂ.૭,૦૦,૦૦૦ ની આરોપીએ ફરીયાદીના ખેતરએથી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.