એગ્રી પ્રોડ્યુસર કંપનીમાંથી ઘઉં ખરીદી રૂ.૧૮. ૦૬ લાખનો ચુનો લગાવ્યો

માંગરોળમાં બનેલી ઘટનામાં ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સહિત ત્રણ સામે ઠગાઈની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી એગ્રી પ્રોડ્યુસર કંપનીમાંથી ઘઉં ખરીદી કર્યા બાદ ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સહિત ત્રણ શખ્સોએ પૈસા જ ન ચૂકવીને ઠગાઈ આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કંપનીને ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સહિત ત્રણ શખ્સોએ રૂ.૧૮. ૦૬ લાખનો ચુનો લગાવ્યો હોવાનું બહાર આવતા આ બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના જુના બસ સ્ટેશન પાસે આવેલ ઓદેદરા એગ્રી પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામની પેઢીના માલિક કાનાભાઇ કેશવભાઇ ઓડેદરા (ઉ.વ.૪૨) એ આરોપીઓ ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના માલીક કિશોર રણછોડદાસ મારકણા (રહે.સુરત), ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના ભાગીદાર દીલીપભાઇ વલ્લભભાઇ કાલસરીયા (રહે.અમદાવાદ મુળ રહે.હડમતીયા તા.તાલાલા), ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના ભાગીદાર સાજીદ રહીમભાઇ રાસલિયા (રહે.જામનગર) સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જેમા ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના ભાગીદાર સાજીદ રહીમભાઇ રાસલિયા રહે.જામનગર તથા દીલીપભાઇ વલ્લભભાઇ કાલસરીયા રહે.અમદાવાદ મુળ રહે.હડમતીયા તા.તાલાલા તથા ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝના માલીક કિશોર રણછોડદાસ મારકણા રહે.સુરતવાળાએ ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીની ઓડેદરા એગ્રી પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામની પેઢીમાથી અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી ફરીયાદીને ઘઉંના બાકી નીકળતા રૂપિયા ૧૮,૦૬,૦૩૯ નહી આપી વિશ્વાસઘાત છેતરેપીડી કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.