રૂપિયા 13 લાખના ઘઉં ખરીદી ઉંચા હાથ કરી દેનાર આરોપી કચ્છથી ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને મેંદરડા પોલીસની સયુંકત કામગીરી

જૂનાગઢ : મેંદરડાના વેપારી સાથે વિશ્વાસ કેળવી નવેક મહિના પૂર્વે રૂપિયા 13 લાખથી વધુ કિંમતના ઘઉંની ખરીદી કરી ઉંચા હાથ કરી દેનાર મૂળ હડમતીયા ગીરના શખ્સને મેંદરડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સયુંકત રીતે કચ્છથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડા લોહાણા મહાજન વાડી પાસે રહેતા અને અનાજ મગફળી જેવી પેદાશો વહેંચવાનો ધંધો કરતા વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલ ઉવ. 35 પાસેથી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પેઢી અમદાવાદના રાજેશભાઇ કોઠારી તથા કેપિટલ એન્ટરપ્રાઇઝ પેઢીના દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર તા. તાલાલા સહિતના આરોપીઓએ નવેક મહિના પહેલા વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂ. 13,61,952/- વાયદાઓ કરી, નહીં આપી, વિશાવસ ઘાત છેતરપિંડી કરવામાં આવતા, ફરિયાદી પ્રતીક સવજીભાઈ હિરપરાએ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરવામાં આવતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, સ્ટાફના હે.કો. સાહિલભાઈ શમાં, વિક્રમભાઈ, ડાયાભાઇ, યશપાલસિંહ, સહિતની ટીમ દ્વારા ફરિયાદીની રજુઆત બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, આરોપીનું પગેરું દબાવી ગાંધીધામ કચ્છ ખાતેથી ગણતરીના કલાકોમાં આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર તા. તાલાલા હાલ રહે. અમદાવાદ વાળને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુન્હો કરેલાની કબૂલાત કરી હતી.