ઘરકંકાસમાં પતિએ પત્નીને માર મારતા ફોજદારી ગુન્હો દાખલ

કેશોદના મોવાણા ગામના બનાવમાં પતિ ઉપરાંત સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદના મોવાણા ગામેં ઘરકંકાસમાં પતિએ પત્નીને માર મારતા ફોજદારી ગુન્હો દાખલ થયો છે. આ બનાવમાં પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાધીકાબેન દીવ્યેશભાઇ ભાલોડીયા (ઉ.વ.૨૮ રહે.હાલ કરેણી ગામ તા.કેશોદ) એ આરોપી પતિ દીવ્યેશભાઇ નરશીભાઇ ભાલોડીયા ઉ.વ.૨૮, સસરા નરસિંહભાઇ કેશવભાઇ ભલોડીયા, સાસુ પ્રવીણાબેન નરસિંહભાઇ ભાલોડીયા
(રહે.બધા મોવાણા ગામ તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના લગ્નના ચાર માસ બાદથી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન ફરીયાદી બેનને તેઓના પતિ તથા સાસુએ શારિરીક તથા માનસીક દુખત્રાસ આપી મેણાં-ટોણાં મારી ગાળો બોલી, ફરીયાદીને તેઓના પતિએ અવાર-નવાર શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.