પતંગ-દોરી મામલે ત્રિપુટીએ ધમાલ મચાવી, બાઇકમાં તોડફોડ અને હુમલો

જૂનાગઢના દુબળી પ્લોટ પાંજરાપોળની સામેના વિસ્તારમાં થયેલી મારામારીમાં સામેના પક્ષે પણ એટ્રોસીટી અને હુમલાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના દુબળી પ્લોટ પાંજરાપોળની સામેના વિસ્તારમાં ગઈકાલે ઉત્તરાયણના પર્વ ઉપર

પતંગ-દોરી મામલે ત્રિપુટીએ ધમાલ મચાવી હતી. ત્રિપુટીએ બાઇકમાં તોડફોડ કરી યુવાન ઉપર છરી-પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવી છે. જો કે આ મારામારીમાં સામેના પક્ષે પણ એટ્રોસીટી અને હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વીકિ ઉર્ફે કાનો કિશોરભાઈ સોલંકી (ઉ.વ.૨૫ રહે. દુબળી પ્લોટ પાંજરાપોળની સામે વોર્ડ નં-૦૯ની નગરપાલીકાની ઓફીસ સામે જુનાગઢ) એ આરોપીઓ કાનો ચોર, આદીત્ય (રહે. બંને કડીયાવાડ જુનાગઢ) મધુરમમાં રહેતો કાનો ભુપત વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પાસે ગઈકાલે ઉત્તરાયણ પર્વ ઉપર આરોપીઓએ પતંગો તથા દોરા માંગતા ફરીયાદીએ આપવાની ના કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ છરી તથા પાઈપ વડે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા શેરીમાં પડેલ બાઈકમા પાઈપ વડે તોડફોડ કરી નુક્શાન પહોચાડ્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

સામેના પક્ષના અભિષેકભાઇ ઉર્ફે કાનો મનોજભાઇ વઘેરા (ઉ.વ.૨૫ રહે. કડીયાવાડ વણકરવાસ વઘેરા મેન્સનમાં જુનાગઢ) એ આરોપીઓ વિકી ઉર્ફે કાનો, રાકેશ ભોંય, કેતન ભોંય સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ એક આરોપી પાસે પતંગો માંગતા અને ના પાડતા સામ સામે બોલાચાલી થતી હોય ત્યારે આરોપીઓએ ત્યાં આવી ફરીયાદી તથા સાહેદ આદીત્યભાઈને પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ માર મારી તથા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી વિશે અપશબ્દો બોલતા એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે.