જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુજી સેમ-1ની પરીક્ષા મોકૂફ

કોરોના મહામારીને પગલે એનએસયુઆઇ દ્વારા કરાયેલ રજુઆત સફળ : એકઝામ કોર કમિટીની બેઠકમાં નિર્ણય

 

જૂનાગઢ : પ્રવર્તમાન કોરોના મહામારીને પગલે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુજી સેમેસ્ટર-1ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.અગાઉ એનએસયુઆઇ દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવા રજૂઆત કરી હતી જે સફળ રહી છે.

 

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.24 જાન્યુઆરીએ લેવાનાર યુજી સેમેસ્ટર 1ની પરીક્ષા કોરોનાના કારણે હાલ મોકૂફ રખાઇ છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત ન બને તે માટેની તકેદારીને લઇ બુધવારે એકઝામ કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરાયો હતો કે 24 જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવી. પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશેે.

 

દરમિયાન યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પરીક્ષાનો સમય અઢી કલાકથી ઘટાડીને દોઢ કલાકનો કરાયો છે. 70ના બદલે 42 માર્કસની પરીક્ષા લેવાશે. દરમિયાન પરીક્ષાના કેન્દ્રો અગાઉ 69 હતા તેમાં 11નો વધારો કરી 80 કરાયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.