પ્યાસીઓ ચેતજો ! જૂનાગઢમાં ઉંચી બ્રાન્ડની બોટલમાં હલકો દારૂ ભરવાનું કૌભાંડ ઝડપી પાડતી પોલીસ

ખલીલપૂર ચોકડી નજીક વરંડામાં ચાલતું અસલી-નકલી શરાબનું મીની કારખાનામા બે ઝડપાયા : ત્રણના નામ ખુલ્યા

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ખલીલપુર ચોકડી નજીક એક વરંડામાંથી વિદેશી દારૂની ઉંચી બ્રાન્ડની ખાલી બોટલમાં હલકી-નીચી બ્રાન્ડનો દારૂ ભરવાનું મીની કારખાનું ઝડપી લઈ બે આરોપીઓની ધરપકડ કરી ખાલી બોટલ, બુચ અને ઢાંકણ પુરા પડતા વડોદરાના ઈસમ સહીત ત્રણને ફરાર દર્શાવી મોટર સાયકલ સહીત રૂપિયા ૪૧,૫૭૫નો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

ઉંચી બ્રાન્ડની ખાલી બોટલમાં હલકો દારૂ ભરી વેચવાના આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને ટીમે બાતમીને આધારે ખલીલપુર ચોકડી નજીક ઝાંઝરડાના ઈશ્વર ઠાકુરના વરંડામાં દરોડો પાડતા બનાવ સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જૂદી જૂદી ઉંચી બ્રાન્ડની ઉપયોગ થયેલ ખાલી બોટલો તથા તેના ઢાંકણા અને બુચ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની જૂદી જૂદી બ્રાન્ડની ભરેલ બોટલ નંગ – ૪ સાથે જૂનાગઢ જોષીપરા ખલીલપૂર રોડ ઉપર કૈલાશ નગરમાં રહેતો યોગેશ લખૂભાઇ બકોટીયા અને ખામધ્રોળ રોડ, ખોડીયાર ભુમી એપાર્ટમેન્ટ ચોથા માળે રહેતો ધવલ પ્રવિણભાઇ માલવણીયા ઉંચી બ્રાન્ડની દારૂની બોટલમાં હલકો દારૂ ભરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ લખૂભાઇ બકોટીયા અને ધવલ પ્રવિણભાઇ માલવણીયા વડોદરાના નિલેશભાઇ નામના વ્યક્તિ પાસેથી ઉંચી બ્રાન્ડની ઉપયોગ થયેલ ખાલી બોટલો તથા તેના ઢાંકણા અને બુચ મંગાવતા હતા અને આરોપી ધવલ પ્રવિણભાઇ માલવણીયા શૈલેષ ઉર્ફે જગીરો કોળી રહે. ખામધ્રોળ વાળા પાસેથી મેકડોવેલ નંબર વન તેમજ અન્ય દારૂની બોટલ મંગાવી ઉંચી બ્રાન્ડની બોટલમાં દારૂ ભરીને વેચી નાખતા હોવાનું ખુલવા પામ્યું છે.

વધુમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બનાવ સ્થળેથી વિદેશી દારૂની જૂદી જૂદી બ્રાન્ડની ભરેલ બોટલ નંગ – ૪ કિ.રૂ.૪૦૭૫, ભારતીય બનાવટના વિદેશી દારૂની જૂદી જૂદી બ્રાન્ડની ખાલી બોટલો નંગ – ૧૧૫ કિ.રૂ.૧૧,૫૦૦, વિદેશી દારૂની બોટલના બુચ સાથેના ઢાંકણા નંગ-૮૨, પ્લાસ્ટીકની ગરણી નંગ – ૧ તેમજ હોન્ડા એવીયેટર મોટર સાયકલ જીજે-૧૩-એલએલ-૦૨૮૫ કિ.રૂ.૨૦,૦૦૦ તથા મો.ફોન – ૨ કિ.રૂ.૬૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૧,૫૭૫ ના મુદામાલ બે આરોપીને ઝડપી લઈ વડોદરાના ખાલી બોટલના સપ્લાયર અને જૂનાગઢના દારૂ સપ્લાયર તેમજ તપાસ દરમિયાન નામ ખુલે તે તમામને ફરાર દર્શાવી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.