હવે ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા રૂપિયા 6000ની સહાય

અગાઉ માત્ર 1500 રૂપિયાની જ સહાય મળતી હોવાથી ખેડૂતોએ રસ ન દાખવતા સરકારે સહાય વધારી

જૂનાગઢ : રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોન દ્વારા હવામાન ઉપરાંત કૃષિ સંબંધીત તમામ જાણકારી મેળવી શકશે તેવા ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય માટેનું ધોરણ વધારી રૂા.15 હજાર સુધીના ફોનની ખરીદીમાં 40 ટકા સહાય અપાશે. ખેડૂતોને હવે મહતમ રૂા.6 હજાર જેટલી સહાય મળી શકાશે.આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આ જાહેરાત કરી છે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમ ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે અગાઉની 10 ટકા સહાયને બદલે હવેથી 40 ટકા સહાય આપવાની જાહેરાત કરી હતી. સ્માર્ટ ફોનની મદદથી ખેડૂતો કૃષિ, હવામાન તથા માર્કેટયાર્ડના વર્તમાન ભાવ સહિત તમામ સાથે લાઈવ સંપર્ક જાળવી શકે તે માટે સરકારે આ યોજના તરતી મૂકી છે.

જો કે અત્યાર સુધી 15000 રૂપિયાના ફોનની ખરીદીમાં માત્ર રૂ.1500 જેટલી જ સહાય આપવામાં આવતી હોય રાજ્યભરમાં ખેડૂતોએ સરકારની આ યોજનામાં રસ દાખવ્યો ન હતો પરંતુ હવે સહાયનું ધોરણ વધારતા આગામી દિવસોમાં ખેડૂતો મોટાપ્રમાણમાં આ યોજનાનો લાભ મેળવશે તેવા સંકેતો મળી રહ્યા છે.