દહેજની માંગણી કરી પતિ અને સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપ્યો

જુનાગઢ શહેર ખાતે બનેલા બનાવમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ શહેરમાં રહેતી પરિણીતા પાસે દહેજ માંગીને પતિ તથા સાસરિયાઓએ ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની માંગરોળ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રીનાબેન ભરતભાઇ ગોંડલીયા (ઉ.વ.-૨૩, રહે.નવા કોટડા, તા.માંગરોળ)એ આરોપીઓ કલ્પેશભાઇ દિલીપભાઇ કાપડી જાતે બાવાજી (પતિ), દિલીપભાઇ બચુભાઇ ઉર્ફે રામદાસભાઇ કાપડી (સસરા), ગૌરીબેન દિલીપભાઇ કાપડી (સાસુ), પરેશભાઇ દિલીપભાઇ કાપડી (દિયર, રહે. તમામ દોલતપરા, બંસીધર સોસાયટી, નિલકંઠ એપાર્ટમેન્ટ ત્રિજા માળે જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના લગ્ન તા ૧૩/૦૨/૧૭ ના રોજ થયાના પાંચેક મહિના બાદથી આજદીન સુધી આરોપીઓએ ત્રાસ આપ્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,ફરિયાદીના લગ્ન થયાના પાંચેક મહિના બાદથી આજદીન સુધી આરોપીઓએ ઘરકામની નાની નાની વાતોમાં તેમજ દહેજ પેટે રૂપિયાની માંગણી કરી અવારનવાર ફરિયાદીને મેણાટોણા બોલી શારીરીક માનસીક દુખ ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરી હતી.તેથી હાલ પિયરે હોય ત્યાંથી આ બનાવની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.ક. ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪, દહેજ પ્રતિબંધ ધારા કલમ ૩, ૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.