જૂનાગઢમાં વિવેકાનંદ જયંતિના અવસરે વંદે માતરમ સમૂહ ગાન

રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સંઘના આ આયોજનમાં અનેક યુવાનો જોડાયા

જૂનાગઢ : રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા વંદે માતરમ સમૂહ ગાન કરી આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અનેક યુવાનો સહીત જૂનાગઢવાસીઓએ જોડાઈને વિરાંજલી આપી હતી.

આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિન 12 જાન્યુઆરીને બુધવારના રોજ સવારે 11 કલાકે જૂનાગઢમાં ઠેર-ઠેર સૌએ એકત્રિત થઇ ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. જૂનાગઢ જિલ્લાની સરકારી-ખાનગી શાળાઓ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સહયોગથી કોલેજો, કૃષિ યુનિવર્સિટી, આંગણવાડીઓ, ગુજરાત યોગ બોર્ડના યોગ કેન્દ્ર, પુષ્ટિ સંસ્કાર ધામ, હરિઓમ યુવક મંડળના વિવિધ 70 યુવક મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગનાથ, એમ. જી. રોડ, ઢાલ રોડ, કાળવા ચોક, જવાહર રોડ, જોષીપરા જી.આઇ.ડી.સી., દાણપીઠ, માર્કેટીંગ યાર્ડ, વેપારીઓ, ઉદ્યોગો, ભવનાથ, ભારતી આશ્રમ, ગુરૂ ગોરખનાથ આશ્રમ, વિવિધ ધાર્મિક સ્થાનો, જૂનાગઢ જિલ્લાના વિવિધ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેડિકલ કોલેજ, નિદાન કેન્દ્ર, ડો. પાનસુરીયાની હોસ્પિટલ, સોસાયટી–એપાર્ટમેન્ટ, ગરબી મંડળો, ગૌશાળાઓ, સખી મંડળ, જૂનાગઢ નગરના દરેક વોર્ડમાં, એમ દરેક જગ્યાએ સમૂહમાં વંદે માતરમ્ ગાનનું આયોજન થયું હતું.

આ તકે બહાઉદીન વિજ્ઞાન કોલેજના અગ્રણીએ જણાવ્યું છે કે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા સમગ્ર જિલ્લામાં ‘વંદે માતરમ’ના સમૂહ ગાન સાથે આઝાદીની લડાઈમાં શહીદ થનારા સ્વાતંત્ર્યસેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા. જેમાં 2,65,827 લોકોએ ભાગ લીધો છે. અને બહાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગમાં સમૂહ ગાન કરીને આ કાર્યમાં જોડાઈને પ્રતિસાદ આપ્યો છે. અને કાર્યક્રમમાં પ્રચારક કેશવભાઈ આણેરાવે બૌદ્ધિક અને વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં તત્પરતા દર્શાવી તે માટે તેમનો આભાર માન્યો છે.

વધુમાં, અન્ય એક આગેવાને જણાવ્યું છે કે આજે રાષ્ટ્રીય સ્વયં સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા આયોજિત આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વિરાંજલીના નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને પોસ્ટ ઓફિસ રોડ પર સામુહિક વંદે માતરમ ગાનનું આયોજન થયેલું હતું. જેમાં અનેક રાહદારીઓ અને વેપારીઓએ ભાગ લીધો હતો, જે અભિનંદનને પાત્ર છે.