જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુ ભંગ બદલ પાંચ વિરુદ્ધ કાર્યવાહી

રાત્રીના ગાંઠિયા, દાબેલી અને આઈસ્ક્રીમની દુકાન ખુલ્લી રાખનાર તેમજ આંટાફેરા કરનાર દંડાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી વકરી રહી છે ત્યારે પોલીસ દ્વારા કોવીડ ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવાનું શરૂ કરી શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ગાંઠિયા, દાબેલી અને આઈસ્ક્રીમની લારી-દુકાન ખુલ્લી રાખનાર તેમજ આંટાફેરા કરનાર પાંચ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી નાગરિકોને શાનમાં સમજી જવા કડક કાર્યવાહી શરૂ કરી છે.

બી ડિવિઝન પોલીસે એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે ગાંઠિયાની રેંકડી મોડે સુધી ખુલ્લી રાખનાર પીટીસી પાછળ બીલખા રોડ ઉપર રહેતા સોહીલ ઈકબાલખાન પઠાણ તેમજ આદિત્ય શાક માર્કેટ નંદનવનરોડ ઉપર રહેતા શિવરાજભાઇ પરષોતમભાઇ સોલંકી વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮, ૨૬૯, ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની ક ૩, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની ક ૫૧(બી) મુજબ કાર્યવાહી કરી હતી.

ઉપરાંત બી ડિવિઝન પોલીસે નરસીહ મહેતા તળાવની સામે કચ્છી દાબેલીની દુકાન મોડે સુધી ખુલ્લી રાખનાર જોષીપરામાં રહેતા હીરેન નરોતમ ચંદે વિરુદ્ધ તેમજ નાઈટ કર્ફ્યુમાં આંટાફેરા કરી કર્ફ્યુ ભંગ કરનાર મીરાંનગર કલેકટર કચેરી પાસે રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી નરેંદ્રભાઈ હમીરભાઈ સોલંકી વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮, ૨૬૯, ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની ક ૩, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની ક ૫૧(બી) મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે મોતીબાગ પાસે સંતુષ્ટી આઈસ્ક્રીમ નામની દુકાન મોડા સુધી ખુલી રાખી તેમજ માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને સેનીટાઇઝર વગર મળી આવતા પારસભાઇ અરવિદભાઇ રાઠોડ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮, ૨૬૯, ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની ક ૩, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની ક ૫૧(બી) મુજબ કાર્યવાહી કરી હતી.