જૂનાગઢ દબાણ હટાવવા મહાપાલિકાને બદલે પોલીસ મેદાને

જૂનાગઢ દબાણ હટાવવા મહાપાલિકાને બદલે પોલીસ મેદાને

એમજી રોડ વિસ્તારમાં સીટી-એ અને સીટી-બી ડિવિઝન પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ

 

જૂનાગઢ : જૂનાગઢ શહેરના હાર્દ સમા વિસ્તાર એટલે કે એમ. જી. રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો થઈ જતા મહાનગરપાલિકાની કામગીરી આજે સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટાફે કરી હતી.

 

જૂનાગઢ શહેર એટલે નવાબનું શહેર. આ શહેરના માર્ગો બહુ ટુંકા છે. ત્યારે જૂનાગઢ શહેરના એમ. જી. રોડ વિસ્તારમાં ફૂટપાથ નાખવામાં આવી છે. આ ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા તેમનો માલસામાન અને દુકાનોના બેનરો રાખી દેવામાં આવ્યા છે. જેનાથી વાહનચાલકો વાહન પાર્ક કરી શકતા નથી અને રોડ ઉપર વાહન પાર્ક કરે છે તો ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. આથી, ટ્રાફિક સમસ્યા હલ કરવા આજે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

 

અહીંના માર્ગો પરથી પસાર થવું એ માથાના દુ:ખાવા સમાન થતું હોય છે. અહીં વાહનો ચાલી શકતા નથી કારણ કે રોડની વચ્ચે વાહનો પાર્ક થતા હોય છે ત્યારે પોલીસે આજે વાહનચાલકો અને દુકાનદારોને દબાણ ન કરવા અપીલ કરી હતી અને દબાણો દૂર કરાયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એમ. વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. આઈ. રાઠોડ, પી.એસ.આઇ. એ. કે. પરમાર અને સ્ટાફ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ દબાણો હટેલા રહે છે કે ફરી તેને તે સ્થિતિ ઉભી રહે છે.

 

ખાસ કરીને દબાણ દૂર કરવાની કામગીરી તો મનપા દબાણ શાખા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ મનપા દબાણ શાખા દ્વારા કામગીરી ન કરાય અને આજે પોલીસને રોડ પર ઉતરવું પડ્યું હતું. ત્યારે પોલીસે આજે દબાણો દૂર કરાવી અને રોડની બન્ને સાઈડ ક્લિયર કરાવી છે.