ચૂંટણીના જુના મનદુઃખ મામલે બે જૂથ વચ્ચે બઘદાટી, સામસામી ફરિયાદ

ચોરવાડના ઝડકા ગામે એક પક્ષે ચૂંટણીના મનદુઃખની અને બીજા પક્ષે ઉઘરાણી મામલે મારમારીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ચોરવાડના ઝડકા ગામે ચૂંટણીના જુના મનદુઃખ મામલે બે જૂથ વચ્ચે બઘદાટી બોલી ગઈ હતી. આ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં
એક પક્ષે ચૂંટણીના મનદુઃખની અને બીજા પક્ષે ઉઘરાણી મામલે મારમારીની ફરિયાદ નોંધાવી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આમદ જેમલભાઇ લાખા (ઉ.વ.૩૪ રહે.ઝડકા તા.માળીયા હાટીના) એ આરોપીઓ શરીફ હસમ લાખા, આરીફ શરીફ લાખા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઝડકા ગામે રોનક પાન સામે રોડ ઉપર ફરીયાદીને આરોપીઓએ ચુટણીનુ જુનુ મનદુખ રાખી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુ તેમજ લાકડી વડે મારમારી તેમજ આરોપીઓએ લાકડી વડે ફરીયાદીના માથાના ભાગે ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સામાપક્ષે સરીફભાઇ હાસમભાઇ લાખા (ઉ..વ.૬૫ રહે.ઝડકા ગ્રામ પંચાયત
ઓફીસની બાજુમાં તા.માળીયા હાટીના જી.જુનાગઢ)એ આમદ ઉર્ફે બાવો જેમલભાઇ લાખા, ઈરફાન પીરુભાઇ લાખા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દીકરો આરીફ એક આરોપી પાસે કપડાના રૂપીયા માગતા હોય જે બાબત જુનુ મનદુખ રાખી ફરીયાદી તથા સાહેદને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી ઓએ બેટ તથા લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદને શરીરે આડેધર માર મારી મુંઢ ઈજા કરી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે