બાઈક પથ્થર સાથે અથડાતા મિત્રની નજર સામે જ મિત્રનું મોત

સાબલપુર ચોકડીથી ધોરાજી જતા રોડ પર નવા બનતા બાયપાસના પુલ પાસે અકસ્માત સર્જાયો

જૂનાગઢ : સાબલપુર ચોકડીથી ધોરાજી જતા રોડ પર નવા બનતા બાયપાસના પુલ પાસે બાઈક પથ્થર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની ઘટનામાં મિત્રની નજર સામે જ મિત્રનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનેથી આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર અશોકભાઇ સાદુરભાઇ (ઉ.વ.૪૨ રહે નવી સોસાયટી ભુખી ગામ તા.ધોરાજી જી.રાજકોટ) અને તેમના મિત્ર રાજેશભાઇ હંસરાજભાઇ જાદવ (ઉ.વ. આ ૪૦ રહે. ગણેશનગર (ગણેશપરા) ધોરાજી તા.ધોરાજી જી. રાજકોટ) ગઇ તા.૬ ના રોજ મો.સા નં જીજે ૦૩ એડી ૭૭૬૧ વાળી લઇને અશોકભાઇના બહેનના ઘરેથી નીકળી પરત આવતા હતા. ત્યારે રાત્રીના આશરે દશેક વાગ્યાના સુમારે રાજેશભાઇએ સાબલપુર ચોકડીથી ધોરાજી જતા રોડ પરનવા બનતા બાયપાસના પુલ પાસે પોતાના હવાલાની મો.સા પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી રોડ સાથેના પથ્થર અથડાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રાજેશભાઇનું મોત નીપજ્યું હતું જ્યારે અશોકભાઇના માથાના જમણા ભાગે તથા વચ્ચેના ભાગે ઇજા થઈ હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.