ટ્રકની હડફેટે પત્નીની નજર સામે જ પતિનું મોત

માંગરોળ નજીક પોરબંદર બાયપાસ રોડ જહાગીરી સ્કુલ પાસે સર્જાયો અકસ્માત

જૂનાગઢ : માંગરોળ નજીક પોરબંદર બાયપાસ રોડ જહાગીરી સ્કુલ પાસે ટ્રક ચાલકે ઇલેકટ્રીક સ્કુટરને હડફેટે લેતા પત્નીની નજર સામે જ પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આયસાબેન હુશેનભાઇ ઉદીયા (ઉ.વ. ૬૩ રહે,માંગરોળ પોરબંદર બાયપાસ રોડ ઉદીયાબાગ પાસે તા.માંગરોળ) એ આરોપી ટ્રક નં. GJ-11-TT-9858 નો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેના પતિ સાથે પોતાના હવાલાનું ઇલેકટ્રીક સ્કુટર લઇ માંગરોળ બંદરથી માંગરોળ ઘરે આવતા હતા ત્યારે માંગરોળ જહાગીરી સ્કુલ પાસે રોડ ઉપર પહોચતા ટ્રક નં. GJ-11-TT-9858 નો ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ઇલેકટ્રીક સ્કુટરને પાછળથી ટકકર મારતા ફરીયાદીને મુઢ ઇજા થઈ હતી.તેમજ ફરીયાદીના પતિ હુશેન મહમદ ઉદીયા ઉ.વ.૬૫ વાળાને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.