જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગના કુંદન નામના અશ્વની ચિરવિદાય

અશ્વદળના કુંદનની વિદાયથી માઉન્ટેન પોલીસ બેડામાં શોક : માનભેર અંતિમક્રિયા કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગમાં માઉન્ટેન શાખામાં કુલ 22 અશ્વો ફરજ બજાવે છે, ગઈકાલે માઉન્ટેન શાખા માં રહેલ કુંદન એટલે કે મારવાડી જાતનો આ અશ્વ કોલિક નામની બીમારી થઈ જતા તેને જૂનાગઢના કૃષિમાં આવેલા પશુપાલન દવાખાના ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે સારવાર દરમિયાન કુંદન નામના અશ્વનું મોત નિપજતા માઉન્ટેન શાખાના પોલીસ વિભાગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ અશ્વની માનભેર અંતિમવિધિ કરવામાં આવી હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા કુંદન નામનો અશ્વ 2011ના વર્ષમાં ખરીદ કરવામાં આવ્યો હતો કુંદનની ઉંમર ૧૬ વર્ષ આસપાસ હોવાનું અહીંના પી.એસ.આઇ વસાવાએ જણાવ્યું હતું. અશ્વ કુંદનને કોલીક નામની બીમારી થઈ હતી, કોલીક નામની બીમારી એટલે કહેવામાં આવે છે કે તેનું લાદ અને પેશાબ બંધ થઈ જતું હોય છે, ત્યારે જવલ્લે જ આ બીમારીમાંથી અશ્વો બચી શકતા હોય છે ત્યારે આ બીમારીથી જુનાગઢ માઉન્ટેન શાખાના ૧૬ વર્ષીય કુંદન મારવાડી જાતિના અશ્વનું મોત થયું છે.

કુંદન અશ્વનું મોત નિપજતા પોલીસ વિભાગના માઉન્ટેન શાખાની પાછળ આવેલી જગ્યામાં જ કુંદન અશ્વની અંતિમવિધિ કરવામાં આવી હતી ખાસ કરીને પોલીસ જવાનો જ્યારે અવસાન પામતા હોય છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય છે. એ જ રીતે અશ્વ કુંદનને પણ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી.