ચૂંટણીમાં અમારા હરિફને ટેકો કેમ આપ્યો કહી યુવાનને ધોકાવ્યો

ભેસાણના કરિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં યુવાનને ત્રણ શખ્સોએ માર મારતા ફરિયાદ

જૂનાગઢ : ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થવા છતાં હજુ ચૂંટણીના વેરઝેર શમ્યા નથી. ભેસાણના કરિયા ગામમાં આવી જ એક ઘટનામાં ચૂંટણી સમયે અમારા હરિફને ટેકો કેમ આપ્યો તેમ કહી યુવાનને ત્રણ શખ્સોએ પ્લાસ્ટિકના પાઈપથી ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના કરિયા ગામે રહેતા અતુલભાઇ બાબુભાઇ માથુકીયાને આજ ગામના રાજુભાઇ સીદીભાઇ ગામેતી, પપ્પુભાઇ મામદભાઇ ગામેતી અને સીદીભાઇ તૈયબભાઇ ગામેતીએ ચૂંટણીના મનદુઃખમાં તે બાબાભાઈ જીકુંભાઈ ધંધુકિયાને ટેકો કેમ આપ્યો કહી પ્લાસ્ટિકના પાઈપથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ ઘટના અંગે ફરિયાદી અતુલભાઇ બાબુભાઇ માથુકીયાએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.