તબેલાની આડમાં ગોવાથી દારૂ મંગાવી ભાગીદારીમાં ધંધો કરતા બે ઝડપાયા

માણાવદરના રઘુવીરપરામાં આવેલ તબેલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેઇડ કરી 92 બોટલ દારૂ પકડ્યો, અન્ય બેના નામ ખુલ્યા

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે માણાવદરના રઘુવીરપરામાં આવેલ તબેલામાં દારૂનો ભાગીદારીમાં ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે ત્યાં ત્રાટકી હતી અને પોલીસે તબેલામાં દારૂનો ભાગીદારીમાં ધંધો કરતા બે આરોપીઓને 92 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. આ આ દારૂની હેરાફેરીમાં અન્ય બેના નામો ખુલ્યા છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમે ગઈકાલે રઘુવીરપરા આવેલ તબેલામાં વિદેશી દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી. જેમાં પોલીસની રેઇડ દરમિયાન આરોપી કિશન ભાયાભાઇ ઓડેદરા (ઉ.વ.૨૨ રહે, રઘુવીરપરા માણાવદર), નાથા ઉર્ફે વનરાજ કાળાભાઇ ઓડેદરા (ઉ.વ. ૩૦ રહે. રઘુવીરપરા માણાવદર) એ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૨ કિ.રૂ. ૩૬,૮૦૦ તથા મો.ફોન નં.૨ કિ.રૂ. ૧૦,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ પોતાના હવાલાના તબેલામાં રાખી હેરાફેરી કરતા મળી આવતા પોલીસે બન્નેને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને સાથે ભાગીદારીમાં ધંધો કરનાર સુભાષ અરજણ કડેગીયા અને દારૂ મોકલનાર સુનીલભાઇ (રહે. મટગાવ ગોવા) હાજર નહિ મળતા તેની સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.