માણાવદરમાં ત્રણ જીનિંગ ફેકટરીમાં તસ્કરો ત્રાટકયા : 1.31 લાખની ચોરી

મિતડી રોડ ઉપર તસ્કર ટોળકીએ ત્રણ – ત્રણ કારખાના નિશાન બનાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે મિતડી રોડ ઉપર આવેલ ત્રણ જીનિંગ કારખાનાને નિશાન બનાવી નિશાચર તસ્કર ટોળકીએ રૂપિયા 1.31 લાખની ચોરી કરતા કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માણાવદર ખાતે મિતડી રોડ ઉપર જીનિંગ ફેકટરી ધરાવતા રાહુલભાઇ માલદેભાઇ તરખાલાએ માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, તેમની માલિકીના મયુર જીનીંગ પ્રેસીંગ મીલમા પ્રવેશ કરી ઓફીસની જારી ખોલી કબાટ તોડી કબાટની અંદર રાખેલ રોકડ રૂ.૭૫,૦૦૦ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે.

આ ઉપરાંત તસ્કરોએ સાહેદ મુકેશભાઇ ચાંગેલાની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીજ માથી રોકડ રૂ. ૩૦,૦૦૦ તેમજ ભાવેશભાઇ વૈશ્નાણીની સહયોગ જીનીંગ ફેકટરી માથી રોકડ રૂ.૨૫૦૦૦ તથા નોકીયા કંપની એક સાદો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૩૧,૦૦૦ ની ચોરી કરી ગયા હોવાનું જાહેર કર્યું છે.

ચોરીની આ ઘટના અંગે માણાવદર પોલીસે રાહુલભાઇ માલદેભાઇ તરખાલાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.