જૂનાગઢ જિલ્લામાં કોરોનાની પતંગ સડસડાટ ઊંચે ચડી : નવા 44 કેસ

જૂનાગઢ શહેરમાં 33, વંથલીમાં 7 અને માળીયા, માણાવદર, મેંદરડા અને જૂનાગઢ ગ્રામ્યમાં એક – એક કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાની બિહામણી પતંગ સડસડાટ ઊંચે ચડી હોય તેવી સ્થિતિમાં નવા 44 કેસ સામે આવ્યા છે. જેમાં એકલા જૂનાગઢ શહેરમાં જ 33 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે ઉપરાંત વંથલીમાં 7 અને માળીયા, માણાવદર, મેંદરડા અને જૂનાગઢ ગ્રામ્યમાં એક – એક કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જૂનાગઢ શહેરમાં વકરેલો કોરોના વાયરસ હવે ધીમે – ધીમે ગ્રામ્ય પંથકમાં પગપેસારો કરી રહ્યો છે. આજે જૂનાગઢ શહેરમાં જ 33 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે ઉપરાંત વંથલીમાં 7 અને માળીયા, માણાવદર, મેંદરડા અને જૂનાગઢ ગ્રામ્યમાં એક – એક કેસ નોંધાયા છે. બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેરના ત્રણ અને વિસાવદરના એક દર્દી કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી વકરતા કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 113 થવા પામી છે અને આજના દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના 7957 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.