જૂનાગઢમાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા કેમ્પનો આરંભ

વન વિભાગ દ્વારા જીવદયાપ્રેમી સંસ્થાઓ અને પશુપાલન વિભાગના સહયોગથી આયોજન

જૂનાગઢ : જૂનાગઢમાં વન વિભાગ દ્વારા જીવદયાપ્રેમી સંસ્થાઓ અને પશુપાલન વિભાગના સહયોગથી પક્ષીઓ માટેનું હોસ્પિટલ શરૂ કર્યું છે. વનવિભાગના સહયોગથી 10 દિવસની કરુણા શિબિરનું આયોજન કરી ઘાયલ પક્ષીઓની હોસ્પિટલ ઉભી કરી પક્ષીઓને સારવાર આપી ફરી સાજા કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરા વડે અનેક પક્ષીઓની પાંખો કપાઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને અનેક પક્ષીઓ મોતને ભેટતા હોય છે. આથી, જૂનાગઢમાં આવા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગના સહયોગથી પ્લાસવા પાસે આવેલ વન વિભાગના ઘાસ ડેપો ખાતે પક્ષીઓની હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 10 દિવસ સુધી કરુણા શિબિર થકી ઘાયલ પક્ષીઓને નિષ્ણાંત વેટરનરી ડોક્ટરો દ્વારા સાજા કરવામાં આવશે અને પછી તેને ફરીથી કુદરતના ખોળે મુક્ત કરવામાં આવશે. પક્ષીઓ માટેની હોસ્પિટલ આજે જૂનાગઢના મેયર દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.

વધુમાં, જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારો અને તમામ તાલુકાઓમાં પણ પશુપાલન અને જીવદયા સંસ્થાની ટીમો ખડેપગે રહેશે અને પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ પ્રકારના 20 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં 25 ડોક્ટર અને 108 માનવબળ હાજર રહેશે.