દૂધની આડમાં દારૂની હેરફેર : જૂનાગઢમાં માહી દૂધની ગાડીમાંથી રૂ.13.24 લાખનો દારૂ ઝબ્બે

ઝાંઝરડા ચોકડી પાસે વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલાં બી ડિવિઝન પોલીસે સપાટો બોલાવી એક આરોપીને ગિરફ્તાર કર્યો : એક ફરાર

જૂનાગઢ : જૂનાગઢની બી ડિવિઝન પોલીસની ટીમને આજે દૂધની આડમાં વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસ બાતમીના આધારે જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે ત્રાટકી હતી અને દારૂનું કટીંગ થાય તે પહેલાં જ માહી દૂધની ડિલેવરી વાનમાંથી દારૂના રૂ.13.24 લાખનો દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે એક આરોપી ફરાર દર્શાવવામાં આવ્યો છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર કે.જે.હોસ્પિટલથી આગળ ફળદુની વાડી સામે આજે માહી દૂધની ટાટા કંપનીના 407 મોડેલની જી જે.32 ટી.9972 નંબરની ગાડીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો.જેમાં દુધના વાહનમાં વિદેશી દારૂની હેરાફેરીના કારસ્તાનને ખુલ્લું પાડી આ વાહનમાંથી 266 પેટી ઈંગ્લિશ દારૂ, બોટલ નંગ 3312 કી. રૂ.13.24.800 નો દારૂ, દૂધનું વાહન, મોબાઈલ મળી કુલ રૂ.18,34,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો.તેમજ સ્થળ પરથી ફોટોગ્રાફીનો ધંધો કરતા આરોપી શિવાંગ રાજુભાઈ મહેતાને ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી કમલેશભાઈ ખાંભલા નાસી છૂટ્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં દૂધની આડમાં દારૂનો ધંધો થઈ રહ્યો હોવાની જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ મકવાણા અને પરેશભાઈ હુણની બાતમીના આધારે આ મોટાપાયે દારૂ ઝડપી લેવાની સફળતા મળી હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મવનન્દર પ્રતાપવસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાની સૂચનાના આધારે બી ડિવિઝનના પો.ઇન્સ.એન.આઇ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ. આર.એચ. બાાંટવા તથા પો. હેડ. કોન્સટેબલ વિપુલભાઈ, પો.કોન્સ. પરેશભાઇ હુણ, પો.કોન્સ. મૂકેશભાઇ મકવાણા, પો.કોન્સ. વનરાજનસિંહ ચુડાસમા, પો.કોન્સ. ભપુતભાઇ તથા પો.કોન્સ. રઘનુવરભાઇ સહિતનાએ આ સમગ્ર કાર્યવાહી કરી હતી.