ચૂંટણીના મનદુઃખનો ખાર રાખી કોમી વૈમનસ્ય ઉભુ કરવાના ઇરાદે પોસ્ટર લગાવ્યા

માળીયા (હા.)ના પીખોર ગામના કાળ ભૈરવ મંદીરમાં પોસ્ટર લગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : માળીયા (હા.)ના પીખોર ગામના કાળ ભૈરવ મંદીરમાં ચૂંટણીના મનદુઃખનો ખાર રાખી કોઈએ કોમી વૈમનસ્ય ઉભુ કરવાના ઇરાદે પોસ્ટર લગાવ્યા હોવાનું ધ્યાને આવતા આ ગંભીર મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણાબેન પ્રતાપભાઇ બાબરીયા (ઉ.વ.૩૬ રહે.પીખોર તા.માળીયા હાટીના) એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, કોઇ અજાણ્યા આરોપીએ પીખોર ગામમાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચુંટણીમાં થયેલ મનદુઃખનો લાભ ઉઠાવવા બે જ્ઞાતિઓ વચ્ચે વિખવાદ પાડવાના ઇરાદાથી પીખોર ગામના કાળ ભૈરવ બાપાના મંદીરમાં પ્રવેશવુ નહીં તેવા પોસ્ટર ચોટાડી જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાના ઇરાદે પોસ્ટર ચોટાડીયા હતા. આ બનાવની મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.