ચોરવાડમાં બે જૂથ વચ્ચે હિસંક અથડામણ બાદ પોલીસ પર પણ હુમલો

પક્ષીના શિકાર બાબતે ડખ્ખો થયા બાદ બન્ને જૂથના ટોળા સામસામે આવી ગયા, એકબીજા પર પથ્થરમારો, લાકડી અને પાઈપથી હુમલો, મામલો થાળે પાડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર પથરમારો, ત્રણ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ચોરવાડમાં ગઈકાલે બે જુથ વચ્ચે પક્ષીના શિકાર બાબતે ડખ્ખો થયા બાદ બન્ને જૂથના ટોળા સામ સામે આવી જતા હિસંક અથડામણ થઈ હતી. જેમાં બન્ને જૂથના ટોળાએ એકબીજા પર પથ્થરમારો, લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મામલો થાળે પાડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો કર્યો હતો. આ બનાવ જૂથ અથડામણની સામસામી ફરિયાદ ઉપર પોલીસ પર હુમલો એમ ત્રણ ફરિયાદ નોંધાઈ છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજેશભાઇ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭ રહે.ચોરવાડ બંદર ખારવા વાળ માળીયા (હા.) એ આરોપીઓ જાકુબ ગુલમહમદ, મેહમુદ જાકુબ, અમીનાબેન જાકુબ, ગુલમહમદ ધોકી, ઇબ્રાઇમ હાસમ, અસલમ ઇબ્રાઇમ તથા અન્ય ટોળુ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ આજથી સાત આઠ દીવસ પહેલા બંદર પાસે આવેલ શીવ મંદીર પાસે નદીના પટ્ટમાં કુંજ પક્ષીનો શીકાર કરતા હતા તે સમયે ફરીયાદી ત્યા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જે મનદુખ રાખી ગઈકાલે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ પર તલવાર પાઇપ જેવા હથીયારોથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી હતી.

જ્યારે સામાપક્ષે યાકુબભાઇ ગુલમહમદભાઇ ઢોકી (ઉ.વ ૪૨ રહે ચોરવાડ બંદર તા.માળીયા હાટીના) એ આરોપીઓ રાજેશ કાનજી, પરેશ લખમણ, શકરા ગોપાલ, ધનુબેન કાનજી સોલંકી, હીરા લખમણ, ધના લખમણ, પરસોતમ રણછોડ, રહેમાન શેઠનો દિકરો તથા આશરે ત્રીસથી ચાલીસ માણસોનું ટોળુ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ઘર પાસે ખારવા સમાજના છોકરા બેસી ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ પોતાના ઘર પાસે ન બેસવા ખારવા સમાજના આગેવાનોને કહેતા જે મનદુખ રાખી આ કામના આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે પાઇપ તથા લાકડી વડે શરીરે આડેધડ છુટા પથ્થર મારી ફરીયાદીની પત્નીને માથામાં તલવારથી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના દિકરાને માથામાં લાકડી તથા પાઇપથી મુંઢ ઇજા કરી અન્ય સાહેદોને નાની મોટી ઇજા કરી હતી.

જ્યારે પોલીસ તરફથી પોલીસ કોન્સ. અરવિંદભાઇ માધાભાઇએ જાકુબ ઇસ્માઇલ, જમાલ ગુલમહમદ, ઇસા કરીમ, રાજેશ ઉર્ફે મોન્ટી રહેમાન શેઠ, લખમ લાડવો, જસ્મીન તથા બસોથી અઢીસો માણસોનું ટોળુ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ સામ-સામે એકબીજા પર હુમલો કરી સુલેહભંગ કરતા પોલીસ સ્ટાફના માણસો સુલેહભંગ અટકાવવા જતા આ લોકો અમોને કહેલ કે તમો જતા રહો નહિતર તમોને જીવતા નહિ મેલીયે તેમ કહી પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી ફરીયફીને છુટ્ટો પથ્થરનો ઘા છાતીના ભાગે મારી ઇજા કરી તેની સાથેના અન્ય સ્ટાફને પથ્થરો મારી તથા પો.સબ ઇન્સ.ને છુટો પાઇપનો ઘા કરી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.