પીજીવીસીએલમાં કલાર્ક તરીકે નોકરી આપવાની લાલચ આપી પિતા-પુત્રએ રૂ.10 લાખનું કરી નાંખ્યું

મોરબીમાં પ્રાઇવેટ નોકરી કરતા યુવાનના જૂનાગઢ માણાવદરના કોડવાવ ગામે રહેતા પિતા સાથે જ્ઞાતિના જ બે શખ્સોએ છેતરપિંડી કરતા ફરિયાદ

જૂનાગઢ : મોરબીમાં ખાનગી નોકરી કરતા યુવાનના પત્નીને પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપી માણાવદર તાલુકાના કોડવાવ ગામે રહેતા પિતા-પુત્રએ રૂપિયા 10 લાખનું કરી નાખતા યુવાનના પિતાએ બાંટવા પોલીસ મથકમાં બન્ને ભેજાબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માણાવદર તાલુકાના કોડવાવના વતની અને હાલમાં માણાવદર પાવર હાઉસ સામે રહેતા રશીકભાઇ ડાયાભાઇ ભીમાણીના મોરબી ખાતે રહેતા પુત્ર ધવલભાઈના પત્ની પ્રિયાબેનને પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપી કોડવાવ ગામના જ મીતલભાઈ ધીરૂભાઇ કુંડારીયા અને ધીરૂભાઇ બાબુભાઇ કુંડારીયા નામના પિતા-પુત્રએ રસિક્ભાઈને વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 10 લાખ મેળવી લઈ બાદ હાથ ઉંચા કરી દીધા હતા.

વધુમાં પીજીવીસીએલમાં મિત્તલભાઈ કુંડારિયાની લાગવગ હોવાનું જણાવી તેના પિતા ધીરૂભાઇએ ડંફાસ મારી નાણાં મેળવી લીધા બાદ ફરિયાદી રસિક્ભાઈને અલગ અલગ બેન્કના ચેક પણ આપ્યા હતા જે પોતે છેતરાયા હોવાનું જણાતા બેંકમાં ચેક નાખતા ચેક રિટર્ન થતા બન્ને ભેજાબાજ છેતરપિંડી કરનાર વિરુદ્ધ રસિકભાઈ ભીમાણીએ બાંટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મિત્તલ અને ધીરુભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.